વસિયતનામું :
વિલ અને વસિયતનામું ખૂબ પ્રચલિત શબ્દ છે. વિલ એટલે ઈચ્છા. દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા હોય છે. સામાન્ય રીતે માનવ એના જીવનની સંધ્યાએ હોય ત્યારે એ પોતાનું વિલ બનાવે છે. એટલે કે પોતાની ઈચ્છા રજુ કરતો એક દસ્તાવેજ તૈયાર કરે છે. આમ તો વ્યક્તિએ પોતાની ઈચ્છા પ્રગટ કરવાં કોઈ કાયદાકીય શબ્દો કે જોગવાયની જરૂર પડતી નથી. વ્યક્તિ પોતાની ઈચ્છા પોતાના શબ્દોમાં, સમજાય એવી ભાષામાં રજૂ કરે તો તે પણ વિલનો દસ્તાવેજ બને છે. પરંતુ વિલને ભવિષ્યમાં વિવિધ કાયદાઓ સામે પૂરાવા તરીકે રજૂ કરવાનું હોવાથી વિલના ડ્રાફટીંગની અગત્યતા વધી જાય છે.
વસિયતનામું એવું હોવું જોઈએ જે સંપૂર્ણ હોય, જેમાં ચોક્કસ અર્થ નીકળતો હોય. જેમાં કોઈપણ પ્રકારની એમ્બિગ્વીટી (અસ્પષ્ટતા) ન હોય, વિલ એવું હોવું જોઈએ કે જે એક્ઝીક્યુટરને ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડતું હોય.
વિલ કોઈ પણ ઉંમરે થઈ શકે. એ જરૂરી નથી કે મોટી ઉંમરે, મરણ પથારીએ પડેલા વ્યક્તિએ જ પોતાનું કરવું જોઈએ એવું નથી. કોઈ પણ ઉંમરની વ્યક્તિએ યોગ્ય સમયે પોતાનું વિલ કરવું જોઈએ, કારણ કે મોત આમંત્રણ પત્રિકા છપાવીને આવતું નથી. મૃત્યુરૂપી ઘટના માનવના જીવનમાં કોઈ પણ ઉંમરે ઘટી શકે છે. અને આથી વિલની અગત્યતા વધી જાય છે.
વિલનો ઉપયોગ ભવિષ્યમાં કાયદાકીય રીતે કરવાનો હોવાથી આપણે એને કાયદાકીય દસ્તાવેજ તરીકે ગણીને ચાલીએ છીએ. પરંતુ માનવી પાસે ભૌતિક સુવિધાઓ ઉપરાંત સાંસ્કૃતિક વારસો પણ હોય છે. એટલે કેટલાંક લાગણીશીલ વ્યક્તિઓ પોતાના વિલમાં એના કુટુંબના સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની જવાબદારી પણ એના બાળકોને આપી જતાં હોય છે. પણ આવું બહુ જૂજ બને છે. સામાન્ય રીતે તો વસિયતનામું ભૌતિક મિલકતોની વારસાઈનો દસ્તાવેજ બની રહે છે.
વિલના દસ્તાવેજ પર સામાન્ય રીતે બે સાક્ષીની સહી કરવામાં આવે છે. જે વ્યક્તિઓ વિલના બેનીફીશીયારી હોય એટલે કે જે વ્યક્તિને વિલમાંથી લાભ થવાનો હોય તેવી બે વ્યક્તિઓએ સાક્ષી તરીકે સહી કરવી જોઈએ નહિ. બને ત્યાં સુધી પડોશી કે મિત્રોને સાક્ષી તરીકે રાખવા જોઈએ.
વિલ કઈ રીતે તૈયાર કરશો ? :
વિલ કરનાર વ્યક્તિએ પોતાનું નામ, સરનામું, ઉંમર અને પ્રવર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપવો જોઈએ. વિલ કોઈ પણ ઉંમરે બનાવી શકાય અને તે ગમે તેટલીવાર બનાવી શકાય. જ્યારે એક કરતાં વધુ વિલ બનાવવામાં આવે ત્યારે સૌથી છેલ્લું વિલ ગણતરીમાં લેવામાં આવે છે. જો કોઈ વિલ બનવવામાં આવ્યું હોય અને તે વિલમાં થોડો ધણો વધારો કે સુધારો કરવા માટે સપ્લીમેન્ટરી વિલ બનાવવામાં આવે તો એને કોડિસિલ કહેવામાં આવે છે. આ કોડિસિલ એ મૂળ વિલનો એક ભાગ બને છે. અને તેથી વિલ અને કોડિસિલ બન્ને સાથે રાખવા જરૂરી છે. વિલ અને કોડિસિલ બન્ને અગત્યના દસ્તાવેજ હોવાથી એને યોગ્ય જગ્યાએ રાખવા જરૂરી બને છે. વિલ અને કોડિસિલ કરનાર વ્યક્તિએ વિલ ઉપર પોતાની સહી સાક્ષીઓની હાજરીમાં કરવી જરૂરી છે, અને સાક્ષીઓએ પણ વિલ ઉપર સહી કરવી જરૂરી છે. વસિયત કરનારે વિલના દરેક પાના નીચે પોતાની સહી કરવી જોઈએ આ ઉપરાંત વિલમાં જો સુધારા-વધારા કે છેકછાક કરવામાં આવ્યાં હોય તો એવા શબ્દ કે લાઈનની સામે વસિયત કરનારે અને સાક્ષીઓએ ટૂંકી સહી કરવી જોઈએ. આમ તો વસિયતનામામાં છેકછાક ન હોય તે જ સલાહ ભર્યું છે. વિલના દસ્તાવેજ પર સામાન્ય રીતે બે સાક્ષીની સહી કરવામાં આવે છે. જે વ્યક્તિઓ વિલના બેનીફીશિયરી હોય એટલે કે જે વ્યક્તિને વિલમાંથી લાભ થવાનો હોય તેવી બે વ્યક્તિઓએ સાક્ષી તરીકે સહી કરવી જોઈએ નહિ. બને ત્યાં સુધી પડોશી કે મિત્રોને સાક્ષી તરીકે રાખવા જોઈએ કે વિલ જ્યારે પુરવાર કરવાનું આવે ત્યારે એની તટસ્થતા વિશે સાક્ષીઓ પોતાની વાત રજુ કરી શકે. વળી, વિલ કરનારે પોતાનું વિલ તંદુરસ્ત હાલતમાં કર્યું છે. એવું પુરવાર કરવા માટે એમણે એમના ફેમિલી ડોકટર પાસેથી તન અને મનની તંદુરસ્તીનું પ્રમાણ પણ લેવું સલાહભર્યું છે.
વિલમાં વસિયત કરનાર વ્યક્તિએ પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતોનું લિસ્ટ આપવું જોઈએ. તે ઉપરાંત બેંક ખાતા, ફિક્સ ડીપોઝીટ, કંપનીના શેર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો, વીમાની પોલીસીઓ જેવી તમામ બાબતોનું લિસ્ટ બનાવી પોતાની કેટલી મિલકતો છે. તે વિશેની માહિતી આપવી જોઈએ.
આ મિલકતો વિલ કરનાર એના કયા કુટુંબીને આપે છે. એની સ્પષ્ટતા કરવી જોઈએ. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના નજીકના સગા જેવાં કે પતિ/પત્ની, માતા-પિતા, દીકરી-દીકરા, પુત્ર-પૌત્રીને મિલકત વહેંચણી કરતી હોય છે. અને આથી આવી મિલકતો વિશેની માહિતી આપ્યા પછી એ મિલકત કોને ફાળવવા માંગે છે. તેની સ્પષ્ટતા વિલમાં કરવી જરૂરી છે.
વિલ દ્વારા જે વ્યક્તિને રોકાણની રકમ ટ્રાન્સફર થવાની હોય તે વ્યક્તિનું નામ, રોકાણના ડોક્યુમેન્ટમાં, બીજા નામ તરીકે સામેલ કરાવવું હિતાવહ છે. જો બેંક એકાઉન્ટ, ફિક્સ ડીપોઝીટ, શેર-ડીબેન્ચર, મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણમાં જે-તે સંબધીનું નામ પહેલેથી જ જોઈન્ટ કરવમાં આવે તો વ્યક્તિની હયાતી બાદ જેતે રોકાણ વિલ કરનારે નક્કી કરેલ વ્યક્તિના નામે સરળતાથી ટ્રાન્ફર થઈ શકે. જો કોઈ રોકાણ વિલ કરનારના સીંગલ નામે હોય તો એવા સંજોગોમાં અવસાન સમયે તેના વારસદારોને રોકાણ ટ્રાન્ફર કરાવવા માટે કોર્ટ પાસેથી ‘પ્રોબેટ’ કે ‘સક્સેશન સર્ટીફીકેટ’ મેળવવું પડે છે. એટલે વ્યક્તિએ પોતાની હયાતીમાં જ વારસદારનું નામ જે તે રોકાણમાં ઉમેરી દેવું જોઈએ. જે રોકાણોમાં બીજું નામ જોડવાની જોગવાઈ ન હોય તેવા રોકાણોમાં નોમીનેશનની કાર્યવાહી કરાવી દેવી જોઈએ. જીવન વીમા પોલીસી, પબ્લિક પ્રોવીડન્ડ ફંડ જેવા રોકાણોમાં સંયુક્ત નામે રોકાણ કરવાની સુવિધા નથી. તો આવા સંજોગોમાં નોમીનેશનની કાર્યવાહી લાભદાયક નીવડશે. જો નોમીનેશનનું ફોર્મ ભરવામાં આવ્યું હોય તે વ્યક્તિ હક્કદાર બને છે. પરંતું નોમીનેશન જેના નામે થયું છે તે વ્યક્તિ નોમીનેશનનું ફોર્મ ભરવાથી આપોઆપ માલિક બની જતો નથી, મૂળ રોકાણકારના મૃત્યુ પછી જ આવી વ્યક્તિ નોમીનેશન થવાને કારણે સરળતાથી રોકાણ પોતાના નામે ટ્રાન્સફર કરી શકે છે.
વિલમાં એક્ઝીક્યુટરની નિમણુંક કરવી પણ ખૂબ જરૂરી છે. કારણ કે વિલ વ્યક્તિની હયાતીમાં જ કરવામાં આવે છે. વિલ કરનાર વ્યકિન હયાત ન હોય ત્યારે એના મિલકતની ફાળવણી યોગ્ય રીતે થાય એવા હેતુસર એક્ઝીક્યુટરની નિમણુંક કરવામાં આવે છે. એક્ઝીક્યુટર તરીકે રીલેટીવ સિવાયની વ્યક્તિને પણ મૂકી શકાય. એક્ઝીક્યુટર તરીકે એક કે એકથી વધુ વ્યક્તિઓની નિમણુંક થઈ શકે. પરંતુ એક્ઝીક્યુટર તરીકે એવી વ્યક્તિને મૂકવી જોઈએ જે ન્યાયી હોય અને વિલ કરવાની પ્રોપર્ટીને, વિલ કરવાની ઈચ્છાનુસાર, એના વારસદારોમાં ન્યાયી રીતે ફાળવણી કરી આપે. એટલે એમ કહી શકાય કે વિલ કરનારે પોતાના વિશ્ચાસુ માણસને એક્ઝીક્યુટર તરીકે નિમવો જોઈએ.
જો વિલ કરવામાં આવ્યું હોય તો વિલ કરનાર વ્યક્તિ, પોતાની રીતે, પોતાની ઈચ્છા અનુસાર, પોતાની મિલકતની વહેંચણી કરી શકે અને એના માટે જ કેટલાંક વિલમાં લખવામાં આવે છે કે ‘મારી પુત્રી સાસરે સુખી છે એના લગ્ન સમયે એને જે આપવાનું હતું તે બધું જ મેં આપી દીધું છે અને તેથી હું મારી મિલકતમાંથી કોઈ પણ રકમ કે મિલકત એને આપતો નથી’.
વસિયતનામું, વિલ કરનારની હયાતી બાદ એટલે કે એના મૃત્યુ પછી જ અમલમાં આવે છે. અને આથી એક કરતાં વધુ વિલ જો વિલ કરનારે કર્યા હોય તો તમામ વસીયાત્નામાની જાળવણી એણે કરવી પડે અને આથી બને ત્યાં સુધી છેલ્લું વિલ બનાવ્યાં પછી આગલા વિલ એણે ફાડી નાંખવા જોઈએ. પરંતુ આ ત્યારે જ શક્ય બને કે જ્યારે વિલનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ન હોય. જો વિલનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોય તો એણે એના એક્ઝીક્યુટરને અગાઉના વિલ અંગેની તમામ વાતથી માહિતગાર કરવા જોઈએ, અત્રે નોંધવું જરૂરી છે કે વિલનુ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. આમ છતાં, જો કોઈ વિલનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોય અથવા તેની નોટરી કરાવવામાં આવી હોય તો એવા વિલની ઓથેન્ટીસીટી વધી જાય છે.
વિલ માટે કોઈ સ્ટેમ્પ પેપર વાપરવાની જરૂર નથી. વિલ કોરા કાગળ પર લખીને કરી શકાય છે. પરંતુ હાથથી લખેલા વિલ બરાબર વાંચી ન શકાય એવું બને અને તેથી વિલ ટાઈપ કરેલું હોય તો વધારે સારુ.
કોઈ વ્યક્તિએ વિલ ન કર્યું હોય તો શું થાય ? :
વ્યક્તિએ વિલ કરવું જરૂરી નથી. જો વ્યક્તિએ વિલ ન કર્યું હોય તો આવી વ્યક્તિને ‘લો ઓફ ઈન્ટેસ્ટેટ સક્સેશન’ના કાયદાઓ લાગુ પડે અને એવા સંજોગોમાં સદરહુ કાયદાને આધારે વ્યક્તિના મૃત્યુ બાદ એની મિલકતની વહેંચણી કરવામાં આવે છે. હિન્દુઓના કેસમાં જો કોઈ હિન્દુ વ્યક્તિ વસિયતનામું કર્યા વગર મૃત્ય પામે તો એને હિન્દુ સક્સેશન એક્ટની જોગવાઈને આધારે તેની મિલકત તેના ‘ક્લાસ વન’ હેઠળ દર્શાવવામાં આવેલા વારસદારો વચ્ચે સરખે હિસ્સે વહેંચવાની રહે છે. ‘ક્લાસ વન’ના વારસદારોમાં જો કોઈ વ્યક્તિ પુરુષ હોય તો એની વિધવા પત્ની, પુત્રો, પુત્રીઓ, માતા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આપણે ત્યાં પુત્રને જ વ્યક્તિનો વારસદાર ગણવામાં આવે છે. પરંતુ આપણા કાયદા પ્રમાણે પુત્રી અને માતાને પણ એટલો જ હક્ક છે જેટલો મરનારની વિધવા અને પુત્રોનો છે. વળી, માતાનો પણ હિસ્સો સરખો જ રહે છે. પુત્રી પરણિત હોય તો પણ તેને પિતાની મિલકતમાં સરખો હિસ્સો પ્રાપ્ત થાય છે. આમ જો વ્યક્તિએ વિલ ન કર્યું હોય તો ઉપર દર્શાવેલ તમામ વારસદાર સરખે હિસ્સે મિલકત મેળવવાના હકદાર બને છે. એટલે એ પ્રમાણેની મિલકત ફાળવણી કરવી જરૂરી બને છે.
જો વિલ કરવામાં આવ્યું હોય તો વિલ કરનાર વ્યક્તિ, પોતાની રીતે, પોતાની ઈચ્છા અનુસાર, પોતાની મિલકતની વહેંચણી કરી શકે અને એના માટે જ કેટલાંક વિલમાં લખવામાં આવે છે કે ‘મારી પુત્રી સાસરે સુખી છે એના લગ્ન સમયે એને જે આપવાનું હતું તે બધું જ મેં આપી દીધું છે અને તેથી હું મારી મિલકતમાંથી કોઈ પણ રકમ કે મિલકત એને આપતો નથી’.
વળી સ્થાવર મિલકતોની ફાળવણી કરવાની હોય અને મરનારની મિલકતો વારસદારના નામે ચડાવવાની હોય ત્યારે પણ વસિયતનામાંના આધાર પર પ્રકિયા ખૂબ જટિલ બને છે. જો વસિયતનામું ન હોય તો વારસદારોએ કોર્ટમાંથી સક્સેશન સર્ટીફીકેટ મેળવવાનું રહે છે. જે પ્રક્રિયા જટિલ છે, ખર્ચાળ છે અને સમય માંગી લે છે.
આપણે ત્યાં એવી માન્યતા છે કે વિલ તો વ્યક્તિ એના જીવનની અંતિમ ક્ષણમાં કરે. આ વિલ ન કરે તો પણ ચાલે. પરંતુ આવી માન્યતાને કારણે જો વિલ કરવામાં ન આવ્યું હોય તો એના વારસદારોને એક જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એટલે વ્યક્તિએ વારસદારોના હિતમાં વિલ કરીને, યોગ્ય સ્થળે અને તટસ્થ વ્યક્તિની કસ્ટડીમાં આપી દેવું જોઈએ. ઘણીવાર વ્યક્તિને પોતાના વારસદારોની કનડગતનો ભય સતાવતો રહે છે, પરંતુ એવા સંજોગોમાં પણ પોતે વિલ કર્યું છે. એ વાતને ખાનગી રાખીને પણ વિલ કરવું હિતાવહ છે.
વસિયતનામાં ઉપર ઈન્કમ ટેક્ષ લાગે કે નહીં?
જયારે વ્યક્તિ પોતાની કેપીટલ એસેટ પોતાના સગા-સંબંધીઓને ટ્રાન્સફર કરે છે. ત્યારે એવા ટ્રાન્સફર પર કેપીટલ ગેઈન ટેક્ષ લાગે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ વિલ દ્વારા પોતાની કેપીટલ એસેટ એના વારસદારોને આપે ત્યારે એને કોઈ પણ પ્રકારનો ઈન્કમ ટેક્ષ લાગતો નથી. આવકવેરા કાયદા મુજબ જ્યારે કેપીટલ એસેટ વિલ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે તો આવા વ્યવહારને ટ્રન્સફરની વ્યાખ્યામાંથી મુકત કરવામાં આવી છે. અને આથી વિલ દ્વારા ટ્રાન્ફર થયેલ કોઈ પણ પ્રોપર્ટી પર ઈન્કમ ટેક્ષ લાગશે નહિ.
Property Knowledge by Autoscale.